Weather forecast September 6: ગુજરાતમાં ગુરુવારથી મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. ત્યારે આજે પણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગે આજે 6 સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, વડોદરા અને ભરૂચમાં યેલો એલર્ટ આપવામાં આવી છે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે તે જોઈએ.
આ પણ વાંચો : ત્રણ સિસ્ટમ સક્રિય થઈ, જાણો ત્રણ દિવસ ક્યાં ભારે વરસાદની આગાહી
ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતના હવામાન પલટા બાદ સાતમી તારીખ સુધીમાં આ પલટો જોવા મળશે. તારીખ 7-8માં એક મજબૂત સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ 9થી 11 તારીખ સુધીમાં ડીપ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે.
તે આગળ વધતાં પૂર્વ ભારત થઈને મધ્ય પ્રદેશ તરફ આવવાની શક્યતા ગણી શકાય. એટલે 10થી 12 અને તે પછી પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેવાની સંભાવના છે.
આ સાથે તેમણે ઉત્તર ગુજરાત માટે પણ મોટી આગાહી કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, મહેસાણા, બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, 7 અને 8 ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં ઉથલપાથલ જોવા મળશે.

વરસાદી સિસ્ટમ ડિપ્રેશન બનવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમણે કહ્યું કે, ચંદ્ર કાળા વાદળોમાં ઢંકાશે તો હલચલ વધશે અને દરિયામાં ભારે પવન ફૂંકાશે.
આ સાથે તેમણે જણાવ્યું કે, 16 અને 17 ઓક્ટોબરે દરિયામાં ઉથલપાથલ જોવા મળશે. ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસશે. નવરાત્રિ સુધી વરસાદી માહોલ જોવા મળશે.
તો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમની યુ-ટ્યુબ વીડિયો ચેનલમાં જણાવ્યું છે કે, બંગાળની ખાડીમાં ફરી વરસાદી સિસ્ટમ બને તે સિસ્ટમ કદાચ વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી સુધી પહોંચે તેવી શક્યતાઓ છે.
જોકે, આ સિસ્ટમ ગુજરાત સુધી પહોંચશે કે નહીં, તે અત્યારથી નક્કી કહી શકાય નહીં. પરંતુ આ સિસ્ટમ ગુજરાતને અસર કરી શકે. સિસ્ટમ ગુજરાત તરફ આવે તો 13-14થી 19 સપ્ટેમ્બરમાં ફરીથી વરસાદી રાઉન્ડ આવી શકે છે.
આજે 6 સપ્ટેમ્બરના રોજ સાંજ સુધી જે વરસાદની શક્યતાઓ છે તેમાં અમદાવાદ, ગાંધીનગર, કપડવંજ, આણંદ, નડિયાદ જેવા વિસ્તારોમાં આવનારા 24 કલાકમાં બેથી ત્રણ ઇંચ જેટલા વરસાદની સંભાવનાઓ છે.
સાથે જ મહીસાગર, અરવલ્લી, દાહોદ, ગોધરા, વડોદરા જેવા વિસ્તારોમાં એકથી ત્રણ ઇંચ સુધી જેટલા વરસાદ સંભવ છે. સૌરાષ્ટ્રમાં એકથી બે જિલ્લાઓમાં વરસાદની સંભાવનાઓ છે. જેમાં સૌરાષ્ટ્રના ભાવનગર, બોટાદ, અમરેલીના અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે.
મધ્ય ગુજરાત અને મધ્ય પ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં આવનારા 24 કલાકમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળે તેવી શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટાં નોંધાતા રહેશે.
અંકલેશ્વર, ભરૂચ અને સુરતના કેટલાક વિસ્તારો એવા હશે જ્યાં મધ્યમથી ભારે ઝાપટાં નોંધાઈ શકે છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં છૂટાછવાયા હળવા-સામાન્ય ઝાપટાં કાલે સાંજ સુધી નોંધાય તેવી શક્યતાઓ છે.