Chaitri Danaiya: ચોમાસામાં સવા મહિનો વરસાદ નહીં પડે? ચૈત્ર દનૈયા પરથી અનુમાન

Chaitri Danaiya: ચોમાસામાં કેવો અને કેટલો વરસાદ થશે એનું અનુમાન આપણે ત્યાં દેશી પદ્ધતિઓથી પણ કાઢવામાં આવે છે. જેને પ્રાચીન વર્ષા વિજ્ઞાન કહેવામાં આવે છે. હોળીની જાળ, અખાત્રીજનો પવન, પશુ-પક્ષીની ચેષ્ટા, વનસ્પતિના સંકેતો વગેરેના આધારે ચોમાસાનું અનુમાન જાણકાર લોકો લગાવે છે.

રાજ્યના અનુભવી ખેડૂતો અને હવામાન નિષ્ણાતો પેઢીઓથી પ્રકૃતિના નાના-નાના સંકેતોનું નિરીક્ષણ કરીને ચોમાસાનો વરતારો કરે છે,આવું જ એક મહત્વનું પરિબળ છે Chaitri Danaiya. હવામાન નિષ્ણાતો અને ખેડૂતો પરંપરાગત રીતે જ્યારે ચોમાસાનો વરતારો કાઢે ત્યારે ચૈત્રી દનૈયા પર વિશેષ ભાર મૂકે છે.

ઉપલેટાના આગાહીકાર રજનીકાંત લાલાણીએ ચૈત્ર વદ છઠ્ઠથી તેરસ સુધી એટલે કે 19 એપ્રિલથી 27 એપ્રિલ સુધી દનૈયાનું નિરીક્ષણ કર્યું. જેમાં પહેલું દનૈયું સાધારણ કર્યું. જેનો મતલબ એવો કાઢી શકાય કે ચોમાસામાં મૃગશીર્ષ નક્ષત્ર દરમિયાન એટલે કે 8 જૂનથી 22 જૂન દરમિયાન સાધારણ વરસાદ થઈ શકે છે. બીજું દનૈયું આકાશ ચોખ્ખું રહ્યું હોવાથી સારૂં રહ્યું છે. એટલે આદ્રા નક્ષત્રમાં 22 જૂનથી 5 જુલાઈ દરમિયાન સારા વરસાદની સંભાવના છે. ત્રીજું દનૈયું સાધારણ રહ્યું હોવાથી પુનર્વસુ નક્ષત્રમાં 5 જુલાઈથી 19 જુલાઈ સુધી સાધારણ વરસાદની શક્યતા છે.

જોકે, ચોથું, પાંચમું અને છઠ્ઠું દનૈયું આંધી, ઝાકળ તથા હળવા માવઠાના કારણે નબળા રહ્યા છે. એટલે પુષ્ય, આશ્લેષા અને મઘા નક્ષત્ર દરમિયાન વરસાદ નબળો રહી શકે છે. એટલે કે ચોમાસામાં 19 જુલાઈથી 30 ઓગસ્ટ સુધી વરસાદની ખેંચ જોવા મળી શકે છે. ત્યારબાદ સાતમું, આઠમું અને નવમું દનૈયું સારૂં રહ્યું છે.. પરિણામે ચોમાસામાં 30 ઓગસ્ટથી લઈને 10 ઓક્ટોબર સુધી વરસાદ જમાવટ કરી શકે છે.

વિસાવદરના આગાહીકાર નિલેશ વાલાણીના અનુમાન પ્રમાણે આ વખતે એકંદરે દનૈયા સારા રહ્યા છે. તેઓ પોતાની પદ્ધતિ પ્રમાણે ચૈત્ર વદ પાંચમથી ચૈત્ર વદ બારસ સુધી દનૈયાનું નિરીક્ષણ કરીને અંદાજ લગાવે છે. વાલાણીએ કરેલા નિરીક્ષણ પ્રમાણે પહેલું દનૈયું ઝાકળ આવવાના કારણે મધ્યમ રહ્યું છે. એટલે મૃગશીર્ષ નક્ષત્રમાં 8 જૂનથી 22 જૂન દરમિયાન મધ્યમ વરસાદ રહી શકે છે.

જોકે, બીજા અને ત્રીજા દનૈયામાં ઝાકળ નહોતી અને આકાશમાં નાના વાદળ હતા એટલે દનૈયા સારા ગણવામાં આવે છે.. આથી 22 જૂનથી 19 જુલાઈ સુધી સારો વરસાદ રહી શકે છે. જોકે, ચોથા દનૈયામાં સામાન્ય ઝાકળ પડી હોવાથી મધ્યમ દનૈયું ગણી શકાય. પરિણામે 19 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન મધ્યમ વરસાદ વરસી શકે છે. વાલાણીના અનુમાન પ્રમાણે પાંચમું અને છઠ્ઠું દનૈયું ઝાકળના કારણે નબળું રહ્યું છે. એટલે 2 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધી વરસાદમાં અનિયમિતતા જોવા મળી શકે છે. સાતમુ દનૈયું સારૂં રહ્યું હોવાથી 30 ઓગસ્ટથી 13 સપ્ટેમ્બર સુધી સારા વરસાદના સંકેત છે. આઠમું દનૈયું ખૂબ સારૂં રહ્યું હોવાનું જણાવતા વાલાણી કહે છે કે 13 સપ્ટેમ્બરથી 27 સપ્ટેમ્બર દરમિયાન સારો વરસાદ વરસી શકે છે. ઉપરાંત નવમું દનૈયું મધ્યમ રહ્યું હોવાથી હસ્ત નક્ષત્રમાં સાધારણ વરસાદનું અનુમાન

નિલેશ વાલાણીએ વધુમાં ઉમેર્યું કે ઓવર ઓલ દનૈયા મધ્યમ કરતા સારા રહ્યા છે. દનૈયાના દરમિયાન જોવાતા વિવિધ પરિબળો જેમકે તાપમાન,પવન,ઝાકળ ,ભારે માવઠું, વાદળ વગેરે પરિબળોમાંથી બધા પરિબળો અનુકુળ રહ્યા છે…જોકે ઝાકળનું પરિબળ વિઘ્નરૂપ સાબિત થઈ શકે છે. દનૈયા દરમિયાન અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારમાં વધતા-ઓછા પ્રમાણમાં ઝાકળનું પ્રમાણ જોવા મળ્યું છે…એટલે કે વચ્ચે બે દનૈયા દરમિયાન વધુ વિસ્તારમાં ઝાકળ જોવા મળેલ છે. જેથી બે નક્ષત્રો દરમિયાન વરસાદ ઓછો થઈ શકે છે. બાકી બધા નક્ષત્ ના દનૈયા સારાં છે. વાલાણીએ વધુમાં ઉમેર્યું કે છેલ્લા દનૈયા દરમિયાન 26 તારીખના દિવસે ગોંડલ પંથકમાં વરસાદી છાંટા પડ્યા હતા તે સારા સંકેત કહેવાય છે. તેમના દાવા પ્રમાણે દેશી વિજ્ઞાનમાં તેને દનૈયું છલકાયું ગણવામાં આવે છે.

પીઢ આગાહીકાર મોહનભાઈ દસસાણિયા જણાવે છે કે “દનૈયામાં આ વર્ષે વિચિત્ર ઘટના બની છે. દનૈયામાં અમુક અમુક દિવસમાં અલગ અલગ વિસ્તારમાં ખૂબ ઝાકળ આવી. જે ચોમાસા પર અસર કરી શકે છે. બીજા, ત્રીજા અને ચોથા દનૈયામાં ઝાકળ આવી ત્યારબાદ 2 દનૈયામાં ઝાકળ ન આવી અને ફરી દનૈયામાં ઝાકળ આવી. તેમના કહેવા પ્રમાણે પહેલા દનૈયું સારૂં હતું એટલે ચોમાસામાં શરૂઆતમાં વરસાદ થયા બાદ વરસાદ ખેંચાઈ શકે છે. જોકે, હજુ અખાત્રીજનો પવન જોયા બાદ ચોમાસાનો પાક્કો વરતારો નીકળશે

જાણીતા આગાહીકાર રમણીક વામજાએ પણ આ વખતના દનૈયા સારા રહ્યા હોવાથી સારા વરસાદ થશે એવું અનુમાન વ્યક્ત કર્યું

અહીં નોંધનીય બાબત એ છે કે, ચૈત્ર દનૈયા કેટલાક લોકો 8 દિવસ સુધી, કેટલાક લોકો 9 દિવસ સુધી તો કેટલાક 10 દિવસ સુધી જોતા હોય છે. જેના આધારે દરેકના અનુમાનમાં પણ તફાવત જોવા મળી શકે છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એવું જણાવે છે કે મારા વ્યક્તિગત મત પ્રમાણે ચૈત્ર દનૈયા 8 દિવસ જોવાના હોય છે. એવી જ રીતે આગાહીકાર રજનીકાંત લાલાણીના મત પ્રમાણે ચૈત્ર દનૈયા વદ છઠથી તેરસ સુધી જોવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો વદ ચૌદશ સુધી પણ જોતા હોય છે. ગુજરાતી શબ્દકોશ ભગવદ્ગોમંગળમાં કરાયેલા ઉલ્લેખ પ્રમાણે ચૈત્ર વદ પાંચમથી વદ તેરસ સુધીના 9 દિવસ ચૈત્ર દનૈયા તરીકે ઓળખાય

Leave a Comment