Holi jaal 2025: હોળીની જાળ પરથી ચાર આગાહિકરો એ કરી ચોમાસાની આગાહી, ખેડૂતો જાણી લો કેવું રહેશે ચોમાસુ

Holi jaal 2025: ખેડૂતો, પ્રજા અને રાજા માટે એકંદરે વર્ષ સારું રહેશે. મે મહિનામાં અતિશય ગરમીની સંભાવના વામજાએ વ્યક્ત કરી અને તાપમાન 46-47 ડિગ્રી સુધી પહોંચવાની આશંકા વ્યક્ત કરી છે. એપ્રિલ અને મે મહિનામાં 2-2 માવઠા થવાની પણ સંભાવના દર્શાવી. વામજાના મતે 11 મેથી 20 મે દરમિયાન કૃતિકા નક્ષત્રમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. જ્યારે રોહિણી નક્ષત્રમાં ખૂબ જ ગરમી પડવાની સંભાવના

આ વરસાદમાં કેટલાક વિસ્તારમાં વાવણી થઈ શકે છે. જામનગરમાં વધુ વરસાદ થવાની સંભાવના છે. વામજાએ વધુમાં ઉમેર્યું કે, “આ વર્ષે 2 ચંદ્રગ્રહણ અને 2 સૂર્યગ્રહણ હોવાથી વેપારીઓએ ભયંકર મંદીનો સામનો કરવો પડી શકે છે. આ વર્ષે સફેદ વસ્તુ મોંઘી રહેવાની સંભાવના છે.

આગાહીકાર મોહન દલસાણિયાએ પણ હોળીના પવનનું પૂર્વાનુમાન જાહેર કર્યું. મોહન દલસાણિયાના દાવા પ્રમાણે ખરેખર હોળીના દિવસે જાળ નહીં પરંતુ પવન જોવાનો હોય છે. એ પણ ( Holi jaal 2025)હોળી પ્રગટ્યા બાદ નહીં પરંતુ સૂર્યાસ્ત બાદની 96 મિનિટ સુધી પવનની દિશા જોવાની હોય છે.

તેમના મતે આ વખતે આ સમયગાળા દરમિયાન જૂનાગઢ અને જામનગર જિલ્લામાં હોળીનો પવન પશ્ચિમથી પૂર્વ તરફ રહ્યો, ભાવનગર જિલ્લામાં દક્ષિણથી ઉત્તર તરફ રહ્યો છે. આથી ચોમાસામાં વરસાદ સારો રહી શકે છે. જોકે, દલસાણિયાએ કહ્યું કે, “આ વખતે કસ-કાતરા નબળા રહ્યા છે એટલું જ નહીં વનસ્પતિ પણ નકારાત્મકતા સૂચવી રહી છે.”

ખાખરામાં કેસૂડાના ફૂલ આવ્યા છે, પરંતુ તેમાં જોઈએ એટલા બીજ બંધાયા નથી, સરગવામાં ફૂલ આવે છે પરંતુ સીંગ બંધાતી નથી, દેશી બોરડીમાં આ વખતે બોર આવ્યા નથી. જે વનસ્પતિની નેગેટેવિટી દર્શાવે છે અને નબળા ચોમાસાના સંકેત આપે છે.” દલસાણીયાના દાવા પ્રમાણે અત્યાર સુધીની દેશી અનુમાન પ્રમાણે જે પરિબળો જોયા છે એમાં ખંડવૃષ્ટિવાળો વરસાદ પણ રહી શકે છે. જોકે, હજુ ચૈત્ર મહિનાની વદી છઠથી 8 દિવસ સુધી ચૈત્રી દનૈયા જોવાના બાકી છે. દનૈયા કેટલા તપે છે એના આધારે ચોમાસાનું વધુ સચોટ અનુમાન થઈ શકે છે.

મોહનભાઈએ કહ્યું કે, “બીજું મહત્વનું પરિબળ અખાત્રીજ છે. અખાત્રીજની વહેલી સવારનો પવન જોવામાં આવે છે, બપોરે 12 વાગ્યે સૂર્યનો પડછાયો જોવામાં આવે છે અને અખાત્રીજની સાંજે એક જગ્યાએથી બેસીને એવું પણ જોવામાં આવે છે કે સૂર્ય ક્યાં અસ્ત થાય છે. બાદમાં એ જ જગ્યાએથી એવું જોવામાં આવે છે કે ચંદ્ર ક્યાં અસ્ત થાય છે.”

મોહનભાઈના દાવા પ્રમાણે સૂર્ય અસ્ત જ્યાં થયો હોય તેનાથી ઉત્તરમાં ચંદ્ર જેટલો દૂર અસ્ત થાય એટલો વધુ વરસાદ ચોમાસામાં પડે છે. મોહનભાઈએ કહ્યું કે, “હવે લીમડામાં ફૂલ આવશે ત્યારબાદ તેમાં લીંબોળી કેટલી પાકે છે એના આધારે પણ વરસાદનું અનુમાન લગાવી શકાશે.”

ઉપલેટાના રજનીકાંત લાલાણીએ પણ હોળીની જાળ જોયા બાદ કહ્યું કે, “આ વખતે બાર આની ચોમાસું રહી શકે છે.” ઉપરાંત તેમણે કસ-કાતરાના આધારે નોંધેલા અનુમાન પ્રમાણે આખા સૌરાષ્ટ્રમાં વાવણીનો વરસાદ ભીમ અગિયારસ આસપાસ થઈ જશે. ત્યારબાદ અષાઢ મહિનામાં 10-15 દિવસ સારો વરસાદ પડવાનો છે. જેના કારણે નદી-નાળામાં નવા નીર આવી જશે. જોકે, શ્રાવણ મહિનો સંપૂર્ણપણે કોરો રહેવાની સંભાવના તેમણે દર્શાવી છે. ત્યારબાદ ભાદરવા મહિનાની દસમથી લઈને દશેરા સુધી ખૂબ સારા વરસાદના એંધાણ આપ્યાં છે.

વનસ્પતિની ચેષ્ટા અંગે વાત કરતાં રજનીકાંત લાલાણીએ કહ્યું કે, “હંમેશા એવું થતું આવ્યું છે કે આગળનું ચોમાસું સારું હોય એ વર્ષે બોરડીમાં બોર આવતાં નથી. આ વખતે પણ ગયું ચોમાસું સારું હતું એટલે બોરડીમાં બોર આવ્યા નથી. એટલે એ બાબત ખેડૂતો માટે ચિંતાનો વિષય નથી

જૂનાગઢના નીલેશ વાલાણીએ હોળીની જાળ જોયા બાદ અનુમાન લગાવ્યું છે કે રાજ્યમાં ચોમાસું બાર આની રહેશે, એટલે કે સારો વરસાદ થઈ શકે છે. નીલેશ વાલાણીના અનુમાન પ્રમાણે હોળી પ્રાગટ્ય બાદ 96 મિનિટ સુધી પવન જોવાનો હોય છે.

આ વર્ષે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં આ પવન પશ્ચિમ, ઉત્તર પશ્ચિમથી ફૂંકાયા છે, એટલે કે હોળીની જાળ પૂર્વ અને અગ્નિ તરફ ગઈ છે. જે સારા સંકેતો આપે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, “ચોમાસા પહેલાં સમુદ્રમાં વાવાઝોડું પણ સર્જાય એવા સંકેત મળ્યા છે. ઉપરાંત હોળીનો ઝુકાવ થોડા સમય માટે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહ્યો હતો. આથી દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે અતિવૃષ્ટિની પણ સંભાવના નકારી ન શકાય.”

Leave a Comment