Paresh Goswami ni aagahi: અત્યારે ઉનાળો પરાકાષ્ઠા પર છે અને અંગદઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ હીટવેવના વધુ કેટલાક રાઉન્ડ આવવાની આગાહી કરવામાં આવી છે. ઉનાળો ચરમ પર પહોંચતા ગરમીથી કંટાળેલા લોકો વરસાદની રાહ જોવા લાગતા હોય છે. ખાસ કરીને ખેડૂતો આ વર્ષે ચોમાસું કેવું રહેશે, તેને લઈને વધારે ચિંતિત જોવા મળે છે.
થોડા સમય અગાઉ ખાનગી એજન્સી સ્કાયમેટ દ્વારા આ વર્ષે ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરી હતી. જે બાદ હવે જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીથી લઈને ચોમાસાના ચાર મહિના દરમિયાન કેવો વરસાદ રહેશે, તેને લઈને આગોતરો વરતારો વ્યક્ત કર્યો છે.
મે મહિનામાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી
પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, (Paresh Goswami ni aagahi) મે મહિનામાં બે થી ત્રણ વખત પ્રી-મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે. જેમાં ખાસ કરીને 14 થી 18મી મે વચ્ચેના ચાર દિવસનો સમય પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો પ્રથમ તબક્કો હશે. જે બાદ 25મી મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થાય, ત્યારે પ્રી-મોન્સૂન એક્ટિવિટીનો બીજો તબક્કો આવતો હોય છે. જેમાં સાર્વત્રિક નહીં, પરંતુ કેટલાક ભાગોની અંદર છૂટોછવાયો વરસાદ રહેતો હોય છે.
જૂન મહિનામાં ચોમાસાનું મોડું આગમન
મોટાભાગે 1 જૂનથી દેશમાં કેરળની અંદર નૈઋત્યનું ચોમાસું પ્રવેશે અને 15 જૂનની આસપાસ તેનું ગુજરાતમાં આગમન થાય. જો કે આ વર્ષે 15 જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશે, તેવી શક્યતાઓ ઓછી છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસાનું આગમન 8 થી 10 દિવસ મોડું થઈ શકે છે. એટલે કે 22 થી 28 જૂનની વચ્ચે ગુજરાતમાં સત્તાવાર ચોમાસું પ્રવેશ કરશે.
ભાદરવો ભરપુરઃ સપ્ટેમ્બરમાં વરસાદ ભૂક્કા બોલાવશે
છેલ્લા 5-7 વર્ષની પેટર્ન જોઈએ તો, વેધર સાયકલમાં જે પરિવર્તન આવ્યું છે, તે પ્રમાણે પાછોતરો વરસાદ વધારે પડે છે. એટલે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સપ્ટેમ્બરમાં ખૂબ વરસાદ પડવાનો છે. જૂન, જુલાઈ અને ઓગસ્ટમાં જેમ સારો વરસાદ પડ્યો, તેના કરતાં પણ સપ્ટેમ્બર અર્થાત ભાદરવા મહિનામાં ભરપુર વરસાદ પડવાનો છે.
સપ્ટેમ્બર મહિનાના 30 દિવસ પૈકી 8 થી 9 દિવસ વરસાદ નહીં પડે, પરંતુ બાકીના 20 થી 21 દિવસ સુધી સારો એવો વરસાદ પડશે.ખાસ વાત એ છે કે, આ 8-9 દિવસ વરસાદ એકધારો વિરામ નહીં લે.
આમ સપ્ટેમ્બર મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભૂક્કા કાઢે તેવા વરસાદની શક્યતા રહેલી છે. આ સિવાય ઉત્તર ગુજરાત, કચ્છ અને મધ્ય ગુજરાતમાં પણ આ મહિનામાં સારો એવો વરસાદ પડશે.
17 ઓક્ટોબરથી ચોમાસું વિદાય લેશે
જો ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો, છેલ્લા બે-ચાર વર્ષથી આ મહિનામાં જે વરસાદો પડી રહ્યા છે, તેનાથી ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે. ઓક્ટોબર મહિનામાં વરસાદ પડવાથી પાક નિષ્ફળ જતો હોય છે. આ વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં ચોક્કસથી વરસાદ જોવા મળશે.
જેમાં ઓક્ટોબર મહિનાની 1 થી 17 તારીખ સુધી ચોમાસું ચાલવાનું છે. એટલે આ દરમિયાન છૂટાછવાયા ભાગોની અંદર બપોર પછીના સમયમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા રહેશે.