Shakti cyclone: ચોમાસાના વરસાદ પહેલા વાવાઝોડું શક્તિ આવશે, જાણો ગુજરાતને કેટલી અસર?

Shakti cyclone: ભારતના દરિયામાં ચોમાસા પહેલાં આ વર્ષે અત્યાર સુધી એક પણ વાવાઝોડું સર્જાયું નથી. સામાન્ય રીતે ચોમાસાની શરૂઆત પહેલાં બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં વાવાઝોડાં સર્જાતાં હોય છે.

ભારતમાં વાવાઝોડાની બે સિઝન આવે છે એટલે કે ચોમાસા પહેલાં એપ્રિલ-મે અને ચોમાસા બાદ ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં મોટાં ભાગનાં વાવાઝોડાં સર્જાતાં હોય છે.

જોકે, આ વર્ષે મે મહિનો અડધો પૂરો થઈ ગયા બાદ પણ હજી બંને દરિયામાં કોઈ વાવાઝોડું કે ડિપ્રેશન કે મોટી સિસ્ટમ સર્જાઈ નથી.

કેટલાક સમાચાર માધ્યમોમાં એવી ખબરો આવી રહી છે કે આંદામાન સમુદ્રમાં આ વર્ષનું પ્રથમ વાવાઝોડું (Shakti cyclone) સર્જાવાની શક્યતા છે અને તે બાદ તે આગળ વધીને બંગાળની ખાડીમાં પહોંચે એવી શક્યતા છે.

ખરેખર ભારતના દરિયામાં વાવાઝોડું સર્જાશે?
હવામાન વિભાગના કહેવા પ્રમાણે હાલ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે અને આંદામાન સમુદ્રમાં પણ એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે.

આ ઉપરાંત ચોમાસું આવનારા ત્રણથી ચાર દિવસોમાં આગળ વધીને બંગાળની ખાડીના વિવિધ ભાગો તથા અરબી સમુદ્ર સુધી પહોંચે એવી શક્યતા છે.

બંગાળની ખાડી અને અરબી સમુદ્ર અને ઉત્તર હિંદ મહાસાગરમાં સર્જાતી સિસ્ટમો પર ભારતનો હવામાન વિભાગ નજર રાખે છે.

સામાન્ય રીતે સાયક્લૉનિક સર્ક્યુલેશન બન્યા બાદ જો સિસ્ટમ મજબૂત બને તો તે લૉ-પ્રેશર એરિયા બનતો હોય છે જે બાદ તે ડિપ્રશેન કે ડીપ ડિપ્રેશન બને છે અને બાદમાં તે વાવાઝોડું બનતું હોય છે.

સાયક્લૉનિક સર્ક્યુલેશન એ સૌથી પ્રાથમિક સિસ્ટમ છે અને વર્ષ દરમિયાન આવી ઘણી બધી સિસ્ટમો બનતી હોય છે. સામાન્ય રીતે વાવાઝોડું બનવા માટે ઘણાં પરિબળો અનુકૂળ હોવાં જોઈએ.

હાલની સ્થિતિમાં હવામાન વિભાગે તેના બુલેટિનમાં ક્યાંય નથી કહ્યું કે આગામી દિવસોમાં સાયક્લૉનિક સરક્યુલેશન મજબૂત બનીને લૉ-પ્રેશર એરિયા કે વાવાઝોડામાં પરિવર્તિત થશે.

આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ ચોમાસા પહેલાં ઘણી વખત વાવાઝોડાં સર્જાતાં હોય છે, જેમ કે 2021માં સર્જાયેલું તૌકતે વાવાઝોડું જે ગુજરાતના દરિયાકિનારે ત્રાટક્યું હતું.

2023માં બિપરજોય નામનું વાવાઝોડું જૂન મહિનામાં સર્જાયું હતું અને અરબી સમુદ્રમાં સર્જાયેલા આ તોફાનને કારણે ચોમાસું પણ મોડું થયું હતું.

Leave a Comment