Varsad no vartaro: ભારત દેશ ખેતી પ્રધાન ગણાય છે. ત્યારે ભારતીય અર્થતંત્ર માટે ભાગે ચોમાસાના વરસાદ પર નિર્ભર હોવાથી હાલના 21મી સદીના યુગમાં પણ આગામી વર્ષાનું ફ્ળ કથન કરવાની વિવિધ પરંપરા ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહી છે. ત્યારે સાયલાના સેજકપરમાં પણ માટીની કુલડી બનાવી વરસાદનો વરતારો જોવાની પરંપરા જોવા મળી રહી છે.
સેજકપર ગામમાં ઘણા વર્ષોથી અખાત્રીજના દિવસે સ્થાનિક પ્રજાપતિ પરિવાર દ્વારા ચાકડા પર ચાર માટીની કુલડી બનાવી તેને ચોમાસાના ચાર માસના નામ આપી તેમાં ક્રમશઃ પાણી ભરવામાં આવે છે.
અષાઢ, શ્રાવણ, ભાદરવો તેમજ આસો નામ આપેલ માટીની કાચી કુલડી જેવી રીતે ઓગળીને તૂટે તે માસ મુજબ સારા, ઓછા વરસાદનું અનુમાન કરાય છે. આ પ્રસંગે ગામના આગેવાનો, ખેડૂતો સહિતના ગ્રામજનોની હાજરીમાં ધાર્મિક પૂજન કરી પ્રજાપતિ સમાજના જેને ગામડામાં કુંભાર ભગત કહે છે.
તેમના દ્વારા ચાકડો ચાલુ કરી માટીમાંથી નાની કુલડી બનાવવામાં આવે છે. સેજકપર ખાતે વંશ પંરપરાગત આ કાર્ય સાથે જોડાયેલા જેરામભાઈ પ્રજાપતિ દ્વારા જણાવેલ કે એમના દાદા પરદાદાથી (Varsad no vartaro) વરસાદ નો વરતારો જોવાની પરંપરા ચાલી આવે છે. જેને હજુ સુધી જાળવી રાખી છે. જે ચોક્કસ દાવો ના કરતા ગામલોકોની માન્યતા પર આધાર રાખે છે.
આ વર્ષે પણ અક્ષય તૃતીયા એટલે કે અખાત્રીજના મંગળ દિવસે પરંપરા મુજબ જેરામભાઈ દ્વારા ચાર કુલડીઓ બનાવીને તેમાં પાણી ભરતા અષાઢ તથા શ્રાવણ માસની કુલડી ઝડપથી ઓગળી ગઈ હતી. જ્યારે બાકીના બે માસની મટકી પાછળથી ઓગળી હતી.
આ વિશે ગ્રામજનોના જણાવ્યા મુજબ અષાઢ તેમજ શ્રાવણ માસમાં સારો વરસાદ પડવાની તથા ભાદરવો, આસોમાં મધ્યમ વરસાદ થવાનું અનુમાન છે. વર્તમાન સમયમાં ચોમાસુ કેવું રહેશે તેના માટે હવામાન વિભાગ દ્વારા પણ વૈજ્ઞાનિક ઢબે આગાહી જાહેર કરાય છે.
ત્યારે આધુનિક યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં દેશી પધ્ધતિથી વરસાદનો વરતારો જોવાની પરંપરા યથાવત રહેવા પામી છે. હવામાન વિભાગ, જ્યોતિષ શાસ્ત્ર્રના ફ્ળ કથન જેમ ગ્રામ્યમાં દેશી ઢબથી અલગ અલગ રીતે આગામી ચોમાસાનો વરતારો જોવાની પરંપરા ઝાલાવાડમાં પણ અકબંધ રહી છે.