Weather alert: ગુજરાતમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે, 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતા તેની ગુજરાત પર થશે અસર, તો માછીમારોને દરિયો ના ખેડવા માટે સૂચના આપવામાં આવી રહી છે, તો અમરેલી, જામનગર, દ્વારકાના દરિયામાં કરંટ પણ જોવા મળ્યો છે. સાથે સાથે દરિયાઇ કાંઠે પવનની ગતિ 50 થી 60 કિમી પ્રતિકલાકની રહેશે તેવી આગાહી પણ કરવામાં આવી છે.
જાણો કયા અપાઈ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો (Weather alert) બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ,ગાંધીનગર, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, દીવ, કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.
રાજ્યના 12 જિલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યના 12 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, ભરુચ, નર્મદા, નવસારી, તાપી, સુરત, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે રાજ્યભરમાં અનેક સ્થાનો પર ગાજવીજ સાથે હળવો વરસાદ જોવા મળશે.રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહ્યું છે. રાજસ્થાન તરફ સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા આજે કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદ તો કયાંક ભારે વરસાદની સંભાવના છે.
જૂનની શરૂઆતમાં વધુ વરસાદ પડશે
IMD અનુસાર, જૂનની શરૂઆતમાં વધુ વરસાદ પડશે. આ સમય દરમિયાન, સમગ્ર દેશમાં સામાન્ય કરતાં 108 ટકા વધુ વરસાદ પડશે. જૂનમાં ભારે વરસાદને કારણે, દેશના મોટાભાગના ભાગોમાં તાપમાન સરેરાશથી નીચે રહેવાની ધારણા છે, એટલે કે હીટવેવ નહીં આવે. જોકે, ઉત્તર-પશ્ચિમ અને ઉત્તર-પૂર્વ ભારતમાં તાપમાન સામાન્યથી ઉપર રહી શકે છે.
ખેડૂતો માટે રાહતના સમાચાર
સામાન્ય કરતાં વધુ વરસાદ ખેડૂતો માટે સારા સમાચાર છે. ભારતના કૃષિ અર્થતંત્ર માટે સારું ચોમાસું ખૂબ જ મહત્વપૂર્ણ છે. IMD દ્વારા સુધારેલી વરસાદની આગાહી નીતિ નિર્માતાઓ અને જળ સંસાધન સંચાલકો માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તેઓ હવે વરસાદની શક્યતાઓને ધ્યાનમાં રાખીને તેમની તૈયારીઓ આગળ ધપાવશે. હવામાન વિભાગના મહાનિર્દેશક ડૉ. એમ. મહાપાત્રાના જણાવ્યા અનુસાર, આ વર્ષે દક્ષિણપશ્ચિમ ચોમાસા દરમિયાન સરેરાશથી વધુ વરસાદની આગાહી જારી કરવામાં આવી છે.